નર્મદામાં લોકડાઉનનાં કારણે નાના મોટા કામ ધંધાવાળા રોજગાર બંધ થઈ જતા મજુરીયા વર્ગને પારાવાર મુશ્કેલી…

રાજપીપલા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

નાંદોદ વાઘેથા ગામ લોકડાઉન થઈ જતા ગામના માણસોને અન્ય ગામના માણસો દ્વારા મજુરી કામે બોલાવવાની ના પાડી દેતા હાલાકી

તરોપા દૂધ મંડળી વાળાઓએ પણ દૂધ લેવાનું બંધ કરી દેતાં દૂધ ઉત્પાદકો હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

ગામના ખેડૂતો ખેતીના કામ માટે પણ ગામની બહાર જઇ શકતા ન હોવાથી મુશ્કેલીમાં મુકાયા

નર્મદામાં કોરોના લોકડાઉન માં નાનામોટા કામ ધંધાવાળાના કામો, રોજગાર બંધ થઈ જતાં લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે.કોરોનાના પોઝિટિવ વિસ્તારોમાં કોરોના નો દર્દી મળી આવે એ વિસ્તારને તંત્ર સીલ મારી દે છે. ત્યાંથી કોઈને બહાર જવાની કે એ વિસ્તારમાં કોઈને પણ અંદર આવવાની મનાઈ ફરમાવવામાં આવે છે.જો કે તંત્રનું આ પગલું આવકારદાયક છે.પણ એવા કોરોનાગ્રસ્ત વિસ્તારમાં લોકો વિકટ પરિસ્થિતિમાં જીવી રહ્યા હોવાનો ગ્રામજનો અનેક મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે.
નાંદોદ તાલુકાના વાઘેથા ગામે સબ સેન્ટરના ડો.મેઘાબેન દવેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વાઘેથા ગામને તંત્ર દ્વારા સીલ મારવામાં આવ્યું . ગ્રામજનોના જણાવ્યા અનુસાર અમારા ગામમાં 80 % વસ્તી મજુરી મહેનત કરી જીવન ગુજરાન ચલાવે છે.અમારા ગામના મજુરીવાળા માણસો રાજપીપળા તેમજ આજુ બાજુના ઘણા ગામોમાં જાય છે.જે દરેક ગામના માણસોએ અમારા ગામના માણસોને મજુરી કામે બોલાવવાની ના પાડી દીધી છે.ગામના દુધ ઉત્પાદકોનું દુધ લેવાનું અમારા ગામ નજીકના ઢોલાર તેમજ તરોપા દુધ મંડળી વાળાઓએ પણ દુધ લેવાનુ બંધ કરી દીધુ છે.જેથી દુધ ઉત્પાદકો હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.અમારા ગામના દુધ ઉત્પાદકો ચારો લેવા માટે ગામમાંથી ચોરી છુપીથી બીજા ગામની સીમમાં જાય છે.તો તેઓને પણ ચારો લેવા દેવામાં આવતો નથી. તેમજ ગામની બહાર ઢોર પણ લઇ જવા દેવામાં આવતા ન હોય.આટલા પશુઓને હાલ ઘરે ચારી શકાય તેમ નથી.અમારા ગામમાંથી આવતા જતા તમામ રસ્તાઓ માટીના ઢગલા કરી કાંટાઓ નાખી બંધ કરી દેવામાં આવ્યા છે જેથી ગામના ખેડુતો ખેતીના કામ માટે પણ ગામની બહાર જઇ શકતા નથી.અને વધુ ગરમીના કારણે ખેતરોમાં પાણી માટે અવાર નવાર જવું પડતુ હોય છે.ખેતરોમા ભુંડનો ત્રાસ ઘણો જ છે જે પાકને ઘણુ જ નુકશાન કરતા હોય મહા મહેનતથી પકવેલા માલને ઘણુંજ નુકશાન થાય તેમ છે.ખેતી કામ માટે ગામ માંથી સીમમાં ટ્રેક્ટર પણ લઇ જવા દેવામાં આવતા નથી.તેમજ વાહન ગામની બહાર લઇ જવાતા ન હોવાથી બજારથી ખાતર લાવવા પણ હાલમાં ઘણું મુશ્કેલ પડે છે.જેથી પાકને પારાવાર નુકશાન થઇ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here