દેડીયાપાડા ખોખરા ઉમર વિસ્તારમાં નિર્ભયા સ્કોર્ડનું પેટ્રોલીંગ દિતુબેન વસાવા માટે બન્યુ સંકટ મોચક

દેડીયાપાડા,(નર્મદા)

પ્રતિનિધિ :- મનોજ પારેખ,(સેલંબા)

એકલા અટુલા દિતુબેનને ૮ કિ.મી. દુર મોસીટ ગામે સરકારી વાહનમાં પહોંચાડતા નિર્ભયાની બહેનોને દિતુબેને આપ્યા શતાયુ જીવનના અંતરના આશિષ

ઓરી ગામની એક વયોવૃધ્ધ મહિલા અને રાજપીપલા શહેરી વિસ્તારમાંથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ-સાગમ્રી માટે ૧૦૦ નંબરની હેલ્પલાઇન પર મદદ માટે કરાયેલી રજૂઆતનો નિર્ભયા સ્કોર્ડે આપ્યો તત્કાલ પ્રતિસાદ :

મહિલાઓના ઘરે સત્વરે પહોંચતી કરાઇ ચીજવસ્તુઓ,“કોરોના આફતના સમયે નર્મદા પોલીસની નિર્ભયા સ્કોર્ડનું નિર્ભયા મંગલમ્”

હાલમાં વિશ્વમાં કોરોના (covid-19) વૈશ્વિક મહામારી બની ચુકી છે, ત્યારે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના વયોવૃધ્ધ તેમજ એકલવાયુ જીવન જીવતાં વ્યક્તિઓને કોઇ મુશ્કેલી ન પડે તે માટે શરૂ કરાયેલાં પ્રોજેક્ટ નિર્ભયા મંગલમ્ અભિયાન અંતર્ગત કાર્યરત અલાયદા હેલ્પ નંબર – ૧૦૦ ઉપર ફોન આવે કે તુરંત જ જે તે પોલીસ સ્ટેશન વિસ્તારની કાર્યરત નિર્ભયા સ્કોર્ડની બહેનો તુરંત જે તે સ્થળ પર પહોંચીને આવા ફોન-રજુઆત કરનારની સમસ્યા જાણીને તેનું સ્થળ પર જ સુખદ નિરાકરણ કરવામાં આવી રહ્યું છે.
તદ્અનુસાર, આજે રાજપીપલા ટાઉન પોલીસ સ્ટેશન અને આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિર્ભયા સ્કોર્ડના પેટ્રોલીંગ દરમિયાન ઓરી ગામથી એક વૃધ્ધ મહિલાનો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની ઉપલબ્ધિ માટે જરૂરી સહાયરૂપ થવા કરાયેલી રજૂઆત સંદર્ભે આ વૃધ્ધાની જરૂરિયાત મુજબનો ચીજવસ્તુઓનો જથ્થો તુરંત તેમના નિવાસ્થાને પહોંચતો કરવામાં આવ્યો હતો.
તેવી જ રીતે રાજપીપલા વિસ્તારમાંથી પણ એક મહિલાએ જીવન જરૂરિયાતની સામગ્રી તેમના નિવાસ સ્થાને પહોંચાડવા માટે માગેલી મદદ માટે નિર્ભયા સ્કોર્ડની બહેનોએ તુરંત જ પ્રતિસાદ આપીને આ મહિલાની મુલાકાત લઇ તેમની સમસ્યા જાણી હતી અને જરૂરીયાત મુજબની સાધન સામગ્રી સત્વરે તેમના ઘરે પહોંચતી કરી હતી.

દેડીયાપાડા પોલીસ સ્ટેશન હેઠળના ખોખરા ઉમર વિસ્તારમાં નિર્ભયા સ્કોર્ડના પેટ્રોલીંગ દરમિયાન દીતુબેન વસાવા એકતા અટુલા તેમના ગામે ચાલતા જઇ રહ્યાં હતાં, ત્યારે નિર્ભયા સ્કોર્ડની બહેનોના ધ્યાને આ બાબત આવતા આ મહિલાની પુછપરછ દરમિયાન આ મહિલા ૮ કિ.મી. દુર મોસીટ ગામે ચાલતા જઇ રહ્યાં હતા. જેથી આ મહિલાના ગામનું ૮ કિ.મી.નું લાંબુ અંતર અને પોતે એકલા અટુલા મહિલા હોઇ, તુરંત નિર્ભયા સ્કોર્ડની બહેનોએ માનવીય સંવેદના દાખવીને આ મહિલાને તેમના સરકારી વાહનમાં તેમના ઘરે મોસીટ ગામે મુકી આવ્યા ત્યારે નિર્ભયા સ્કોર્ડની બહેનોનો દિતુબેને હ્રદયપૂર્વક આભાર માની શતાયુ જીવન માટે તેમને અંતરના આશિર્વાદ આપ્યા હતાં.
નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહના જણાવ્યા મુજબ નાયબ પોલીસ અધિક્ષક સુશ્રી ચેતનાબેન ચૌધરીની આગેવાની હેઠળ નર્મદા પોલીસ અને ખાસ કરી નિર્ભયા સ્કોર્ડની બહેનો પણ સમાજલક્ષી પોલીસકાર્ય (Community oriented policing) સર્વોત્તમ રીતે કરી રહી છે. આ બહેનો કોઇનો ફોન આવે કે ન આવે તે જાતે જ જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં જઇને એકલવાયુ જીવન જીવતા વ્યક્તિઓને મદદ કરી રહી છે. હાલના સમયમાં પણ પોલીસ પ્રજાનો મિત્ર છે તે પ્રમાણે લોકડાઉનના સમયમાં પ્રજાજનોને કોઇ તકલીફ ન પડે તે જોવાની જવાબદારી પણ પોલીસ દ્વારા નિભાવવામાં આવી રહી છે અને આ કામગીરીને જિલ્લાભરમાં વ્યાપક આવકાર સાંપડી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here