છોટાઉદેપુર : બોડેલી નકલી સિંચાઇ કચેરી મામલે નવા ઘટસ્ફોટ સામે આવ્યા

બોડેલી, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-

2016થી લઈ ને અત્ચાયાર સુધી કુલ રૂ.21.15 કરોડનું કૌભાંડ; જ્યારે અત્યાર સુધી બે પૂર્વ પ્રાયોજના અધિકારી સહિત 10 આરોપીઓની ધરપકડ

છોટાઉદેપુર નકલી કચેરી મામલે છોટા ઉદેપુર જીલ્લા એસપી દ્વારા આજે નવા ઘટસ્ફોટ કરવામાં આવ્યા હતા, જેમાં અત્યાર સુધી છોટાઉદેપુર જિલ્લામાં કુલ રૂ.21.15 કરોડનું કૌભાંડ કર્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં બે પૂર્વ પ્રાયોજના અધિકારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતેથી 26/10/2023ના રોજ નકલી કચેરી ઝડપાઇ હતી, જેની તપાસ દરમિયાન રૂ.4.15 કરોડનું કૌભાંડ થયાની ફરિયાદ નોંધાઈ હતી. ચાર સરકારી કર્મચારીઓ સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ મામલે દાહોદ પ્રાયોજના કચેરીમાં પણ કૌભાંડ આચર્યું હોવાનું જણાતા દાહોદ પોલીસે પણ ફરિયાદ દાખલ કરી હતી. જ્યાં પૂર્વ આઇએએસ બીડી નિનામા સહિત અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.
આ મામલે છોટા ઉદેપુર પોલીસે તપાસ ચાલુ રાખતા મોટા ઘટસ્ફોટ થયા છે. નકલી કચેરીના સૂત્રધારો મારફતે 2016થી લઈને 2023 સુધીમાં છોટા ઉદેપુર જિલ્લામાં કુલ રૂ.21.15 કરોડનું કૌભાંડ આચર્યું હોવાની

સમગ્ર માહિતી છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખે આપી હતી. જેમાં અત્યાર સુધી કુલ રૂ.3.17 કરોડ ફ્રીઝ કરાવવામાં આવ્યા છે અને લગભગ રૂ.4 લાખ જેટલા રોકડા અલગ અલગ લોકો પાસેથી રિકવર કરવામાં આવ્યા છે. ઉપરાંત આરોપીઓ દ્વારા બેંક ખાતા ખોલવા માટે ગાંધીનગર ખાતેની કચેરીનો ઓર્ડર રજૂ કર્યો હતો. જેની પણ તપાસ કરવામાં આવતા આવી કોઈ કચેરી નથી અને ગાંધીનગરની કોઈ કચેરીએ આવો કોઈ ઓર્ડર ઇસ્યુ કર્યો નથી તેવી ચોંકાવનારી માહિતી જાણવા મળી છે.
આજે છોટા ઉદેપુરના એસ.પી.ઈમ્તિયાઝ શેખ દ્વારા પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર માહિતી આપવામાં આવી હતી. જેમાં બે પૂર્વ પ્રાયોજના અધિકારી સહિત ત્રણ જણાંની અટકાયત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જેમાં મુખ્ય સૂત્રધાર અબુ બકર સૈયદનો ભાઈ એજાઝ સૈયદની દાહોદ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
જ્યારે પૂર્વ પ્રાયોજના અધિકારી વી.સી. ગામીતે કોર્ટમાં સરન્ડર કરતા છોટા ઉદેપુર પોલીસે ધરપકડ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે પૂર્વ પ્રાયોજના અધિકારી અને રિટાયર્ડ આઇએએસ બી.ડી. નિનામાને દાહોદ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ કરી છે.

હાલ છોટાઉદેપુર પોલીસે નકલી કચેરી મામલે 6 સરકારી કર્મચારીઓ સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે અને હજુ વધુ નામો ખૂલે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તે ઉપરાંત આ નકલી કચેરીનો રેલો અન્ય જિલ્લાઓમાં પણ નીકળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here