ગ્રામ્ય સ્તરે કોરોના સામે મોરચો… કોરોના સંક્રમણને ગામમાં પ્રવેશતું અટકાવવા મોતાલ ગામ દ્વારા લોક ડાઉનનો ચુસ્ત અમલ

ગોધરા,(પંચમહાલ)
પ્રતિનિધિ :- સાદિક ચાંદા

ગામના તમામ મુખ્ય રસ્તાઓ પર સી.સી.ટી.વી.થી રખાઈ રહી છે નજર

અવર-જવર ટાળવા ઘરે-ઘરે શાકભાજી વિતરણ સહિતની વ્યવસ્થા ગોઠવી

કહેવાય છે કે ખરૂ ભારત ગામડાઓમાં વસે છે. કોરોના સામેની લડાઈમાં શિસ્ત અને આયોજન અંગે અનુકરણીય ઉદાહરણ પૂરૂ પાડતા પંચમહાલ જિલ્લાના કેટલાક ગામો કોરોના સંક્રમણને છેટે રાખી રહ્યા છે. આવું જ એક ગામ છે, ગોધરા તાલુકાનું મોતાલ ગામ. પંચમહાલ જિલ્લાના મોટાભાગના કેસ ગોધરા શહેરમાંથી મળી આવ્યા છે અને મોતાલ ગામના લોકોનો ગોધરા શહેર સાથેના ગાઢ સંપર્કને ધ્યાને રાખી સંક્રમણને ગામમાં પ્રવેશતું અટકાવવા ગ્રામજનો લોક ડાઉનનો ચુસ્ત અમલ કરી રહ્યા છે. કોરોના સંક્રમણની શરૂઆત થતા જ ગામના સરપંચની આગેવાની હેઠળ ગ્રામજનોએ લોક ડાઉનનું મહત્વ સમજી ગામનો બહારની દુનિયા સાથેનો સંપર્ક અતિ મર્યાદિત કરી બચાવના પગલાઓને અનુસરવાનું શરૂ કર્યું. ગામના તમામ મુખ્ય રસ્તાઓને આડાશોથી બંધ કરી પંચાયતની પરવાનગી વગર બહારના કોઈપણ વ્યક્તિને પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બહાર રહેતા ગામના વતનીઓને પણ આવશ્યક ન હોય ત્યાં સુધી પરત ન આવવા સમજાવવામાં આવ્યા. રાજ્યમાં સંક્રમણના કેસો વધવાના શરૂ થયા કે પંચાયતના ખર્ચે તેમજ દાતાઓનો સહયોગ મેળવી તરત ગામમાં વોશેબલ માસ્ક, સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું.

સરપંચશ્રી જણાવે છે કે અત્યાર સુધી સમગ્ર ગામમાં બે વાર, એક વાર પંચાયતના ખર્ચે અને બીજી વાર ડેરીના ખર્ચે સોડિયમ હાઈપોક્લોરાઈડના દ્વાવણથી સેનેટાઈઝેશન થઈ ચૂક્યું છે. ગામમાં રચાયેલી ગ્રામ યોધ્ધા સમિતી આ સમગ્ર કવાયતમાં અતિ સક્રિય રહી છે. આ ઉપરાંત, થર્મલ ગન મેળવી આશા વર્કરો અને આંગણવાડી કાર્યકર્તાઓની મદદથી સમગ્ર ગામનો સઘન આરોગ્ય સર્વે પૂર્ણ કરવામાં આવ્યો. તે ઉપરાંત, ગામની સગર્ભા બહેનો અને સિનિયર સિટીઝનોના સ્વાસ્થ્યની સ્થિતિ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. 14મા નાણાપંચ હેઠળ ગામના મુખ્ય રસ્તાઓને સી.સી.ટી.વી.થી સજ્જ કરવામાં આવ્યા છે. આ 13 જેટલા સીસીટીવીની મદદથી કોઈ વ્યક્તિ બિનજરૂરી રીતે પરવાનગી વગર ગામની બહાર ન જાય કે અંદર ન આવે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. ગોપાલભાઈ જણાવે છે કે મોટાભાગના ગ્રામજનોના ઘરે અથવા આસપાસમાં દૂધાળા પશુઓ હોઈ દુધનો તો કોઈ પ્રશ્ન નહોતો પરંતુ શાકભાજી-દવાઓની બાબતમાં વ્યવસ્થા કરવી પડે તેમ હતી. ગામની બહાર જઈ ગોધરાથી કોઈ વસ્તુ લાવવાની જરૂર પડે કે દવા-પેન્શન સહિતની જરૂરતો માટે ગોધરા જવું પડે તો ગોપાલભાઈ સહિતના ત્રણ-ચાર યુવાનો જ પૂરતી સાવધાની સાથે જઈને લઈ આવે છે. શાકભાજીના વેચાણ અને વિતરણ માટે પાસેના ગામના ચાર જેટલા ફેરિયાઓને પરવાનગી આપવામાં આવી છે, જે દરેક શેરીમાં જઈ શાકભાજી વેચે છે. સરપંચ અજયસિંહ નરેન્દ્રસિંહ સોલંકી જણાવે છે કે ગ્રામજનોને ખેતરમાં કામ કરવા જાય ત્યારે અન્ય માણસોથી સામાજિક અંતર જાળવી રાખવા સહિતના પગલાઓ અંગે સમજૂત કરવામાં આવ્યા છે, જેથી બહારના કોઈ માણસોથી ચેપ લાગવાનો ખતરો ન રહે. જિલ્લામાં કોરોનાનો ચેપ શહેરી વિસ્તારો પૂરતો મર્યાદિત છે અને કોરોના સંક્રમણ સામેની લડાઈ લાંબી ચાલે તેવી સંભાવના છે ત્યારે મોતાલના ગ્રામજનો જેવી સજાગતા અને સક્રિયતા જ કોવિડ-19 સંક્રમણ સામે ગ્રામીણ વિસ્તારોને સુરક્ષિત રાખશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here