ગોધરા નગરમાં શાકભાજી વેચાણની ભીડ રહિત વિકેન્દ્રિત વ્યવસ્થા અમલમાં મૂકવા જિલ્લા કલેક્ટરશ્રી અરોરાની સૂચના…

ગોધરા, તા-૨૮-૦૩-૨૦૨૦ શુક્રવારઃ

પ્રતિનિધિ :- ઇશ્હાક રાંટા

પંચમહાલ જિલ્લા સમાહર્તાએ કલાલ દરવાજા વિસ્તારમાં સર્જાતી ભીડનો પ્રશ્ન ધ્યાને આવતા રૂબરૂ મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે શાકભાજી લેવા આવતા નાગરિકો અન્ય વ્યક્તિઓથી અંતર જાળવવાનું મહત્વ સમજી કોરોના જેવા ગંભીર વાયરસને રોકવામાં જિલ્લા પ્રશાસનનો સહયોગ કરે તેમજ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે નવા આયોજન અનુસાર બામરોલી રોડ, પથ્થર તલાવડી, કલાલ દરવાજા, ચોકી નં-8, ભૂરાવાવ સહિતના સ્થળોએ વધારાનાં શાકબજાર લાગશે તેમજ કુલ 151 વિક્રેતાઓ હરતી-ફરતી લારીઓ મારફતે શહેરમાં શાકભાજીનું વેચાણ કરશે જેથી ગોધરાની જનતાને એક જ જગ્યાએ ભીડ ઉભી કરવાથી રોકી શકાશે અને સામાન્ય લોકોને પણ સુવિધારૂપે શાકભાજી મળી રેહશે…

લોક ડાઉન દરમિયાન લોકોને શાકભાજી-દૂધ અને કરિયાણા સહિતની જીવનજરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ નજીવા અંતર પર મળી રહે તેમજ આ વસ્તુઓના વેચાણકેન્દ્રો પર લોકો ભીડ બનાવી સંક્રમણ નોતરતી અનિચ્છનીય સ્થિતી ઉભી ન કરે તે સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર સતત કાર્યરત છે. લોકડાઉન જાહેર થયા બાદ ચારથી વધુ વ્યક્તિઓને ભેગા ન થવાનું જાહેરનામું અમલમાં હોવા છતા જહૂરપુરા શાક-માર્કેટમાં નાગરિકો ખરીદી અર્થે વધુ માત્રામાં ભેગા થઈ જતા હોવાથી તંત્ર દ્વારા જહૂરપુરા ખાતે સલામત અંતર જળવાય તેટલી સંખ્યામાં લાઈસેન્સ ધારક વિક્રેતાઓને જ બેસવા દઈ અન્ય વિક્રેતાઓને કલાલ દરવાજા ખાતે વેચાણ કરવાની પરવાનગી આપી હતી. આ શાકભાજી માર્કેટમાં પણ નાગરિકો વધુ સંખ્યામાં ભેગા થઈ જતા હોવાની જાણ થતા જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસરની સાથે માર્કેટની રૂબરૂ મુલાકાત લઈ શાકભાજી વેચાણ વ્યવસ્થાને વિકેન્દ્રિત કરવા નિર્દેશ આપ્યા હતા. લઘુત્તમ લોકો ભેગા થાય અને નાગરિકોને ખરીદી અર્થે વધુ દૂર ન જવું પડે તે હેતુથી શહેરના ભૂરાવાવ, કલાલ દરવાજા, ચોકી નં-8, બામરોલી રોડ તેમજ પથ્થર તલાવડી એમ અલગ-અલગ કેન્દ્રો પર શાકભાજી વિક્રેતાઓને વેચાણ કરવાની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ગોધરા શહેરમાં કુલ 151 વિક્રેતાઓ પથારા તેમજ હરતી-ફરતી લારીઓ પરથી વેચાણ કરશે. જે શહેરમાં ફરીને વિવિધ વિસ્તારોમાં શાકભાજી તેમજ ફળોનું વેચાણ કરશે. તંત્ર અને નગરપાલિકાઓ તરફથી નાગરિકોને આવશ્યક વસ્તુઓની ખરીદદારી કરતા સમયે અન્ય નાગરિકોથી સતત 1.5-2 મીટરનું અંતર બનાવી રાખવા અપીલ કરવામાં આવી રહી છે, જેથી કોરોના વાયરસથી સંક્રમણનું જોખમ ન રહે. જિલ્લા કલેક્ટરશ્રીએ વિક્રેતાઓને પણ માસ્ક્સનો ઉપયોગ કરવા, ખરીદદારોનો સ્પર્શ ન કરવા, અંતર જાળવવા, અન્ય વ્યક્તિઓ કે તેમની વસ્તુઓને અડ્યા બાદ સેનેટાઈઝરનો ઉપયોગ કરવા કે ગ્લોવ્ઝ પહેરવા સહિતના બચાવના પગલાઓને અનુસરવાની સૂચના આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here