ગોધરા : કોરોના વોરિયર્સ એવા પોલીસ પ્રસાશનની ઉમદા કામગીરીને બદનામ કરતો એક હોમગાર્ડ…

ગોધરા,(પંચમહાલ)
કલમ કી સરકાર : સાજીદ શેખ

હોમગાર્ડ દંડા મારવાનો એટલો અનુભવી હતો કે એના એક જ ઘાતકી વારમાં છોકરો જમીન ઉપર લસલસતો થઇ ગયો

છોકરાની હાલત વધુ ગંભીર થતા મધ્ય રાત્રીએ વડોદરા રીફર કરાયો, સોશિયલ મીડિયામાં પીડિત છોકરાના વોમિટીંગ કરતા વિડીઓ વાયરલ થયા..

અમુક તક સાધુ લોકોની વાતોથી પરહેજ કરી આ સમગ્ર બનાવમાં ન્યાયના હિત ખાતર કાર્યવાહી થાય તો લોકોની નજરમાં કાયદાના સંચાલકોની ઇઝ્ઝત બેસુમાર વધી જાય…

લોકડાઉન અમલમાં મુકાયું ત્યારથી લઇને આજદિન સુધી જનહિતાર્થે પોલીસ પ્રસાશન ખડે પગે સેવા આપી રહ્યું છે, તેમજ ચેપી રોગ એવા કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓના વિસ્તારમાં એટલે કે કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારમાં પોલીસ કર્મીઓ પોતાની પવિત્ર ફરજ નિભાવી રહ્યા છે. જ્યારે આજે દરેક વ્યક્તિને ખબર છે કે કોરોના એક ખતરનાક માનવભક્ષી વાયરસ છે અને તે ચેપી વાયરસ હોવાથી અનેક રીતે એક માનવીથી બીજા માનવીને સંક્રમિત કરી શકે છે તેમછતાં આપણા દેશના કોરોના વોરિયર્સ એવા આરોગ્યકર્મીઓ અને પોલીસ પ્રસાશન કોઈ પણ તર્ક કે વિચાર વગર માત્ર દેશહિત ખાતર પોતાના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. પરંતુ અમુક એટલે કે માત્ર એક ટકા જેટલા તુમાખી ધરાવતા માનસિક રીતે અસ્વસ્થ લોકો કાયદાની આડમાં પ્રજાની મુશ્કેલીમાં વધારો કરવા ટેવાઈ ગયા છે અને તેઓની એક ભૂલના કારણે સરાહનીય કામગીરી કરનાર સમસ્ત વિભાગને લોકોની નજરમાં પ્રશ્નાર્થ ચિન્હ આગળ ગોઠવી દેવાતો હોય છે.

ગોધરા શહેરમાં હાલ કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યાનો આંક 70 ને પાર પહોંચી ગયો છે જેને ધ્યાનમાં રાખી શરૂઆતથી જ જીલ્લા પોલીસ પ્રસાશન લોકડાઉનનું ચુસ્તપણે અમલ થાય એવી તકેદારી રાખી રહ્યું છે માટે પોલીસ પેટ્રોલિંગ કરતા વાહનોમાં પોલીસકર્મીઓની સાથે હોમગાર્ડની પણ નિમણુક કરવામાં આવી છે અને તે વાહન સમસ્ત સ્ટાફ સહીત જણાવેલ વિસ્તાર મુજબ પેટ્રોલિંગ કરતુ હોય છે. તબક્કા મુજબ ચાલી રહેલ લોકડાઉનને આજે 55 થી વધુ દિવસો વીતી ગયા આ તમામ દિવસોમાં પોલીસ પ્રસાશને ગોધરા શહેરમાં આવકાર દાયક કામગીરી કરી છે. પરતું ગત રાત્રીએ એક હોમગાર્ડ કર્મીના અમાનુષી આતંકે સમસ્ત ગોધરા નગર સહીત રાજ્યભરમાં ચર્ચાનો વિષય ઉભો કરી છે.

મળતી માહિતી મુજબ ગત રાત્રીએ ગોધરા નગરના વડોદરા હાઈવે MGVCL કચેરી આગળ ઇકો કારમાં પેટ્રોલિંગ કરતા પોલીસ કાફલામાનાં કોઈ હોમગાર્ડે એક છોકરાને માથાના ભાગે છુટ્ટો દંડો માર્યો હતો. અને એ હોમગાર્ડ દંડા મારવાનો એટલો અનુભવી હતો કે એના એક જ ઘાતકી વારમાં છોકરો જમીન ઉપર લસલસતો થઇ ગયો હતો. ત્યારબાદ આ બાબતને લઈને ત્યાં હોહાપો ઉભો થતા અન્ય પોલીસકર્મીઓ પણ બનાવ સ્થળ પર હાજર થઇ ગયા હતા અને તેઓએ હોમગાર્ડના વારથી ઘાયલ થયેલ છોકરાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલાવ્યો હતો. સિવિલ હોસ્પિટલ સ્ટાફે છોકરાને દાખલ કરી તેની સારવાર શરૂ કરી હતી તે દરમિયાન છોકરાની હાલત વધુ ગંભીર થતા મધ્ય રાત્રીએ વડોદરા રીફર કરવામાં આવ્યો હતો. અને હાલ વડોદરા ખાતે એ છોકરાની ICU વોર્ડમાં સારવાર થઇ રહી છે. આ તમામ ઘટનાની ચર્ચાઓ થોડા જ સમયમાં સમગ્ર નગરમાં વહેતી થતાની સાથે જ પુરાવારૂપે સોશિયલ મીડિયામાં પીડિત છોકરાના વોમિટીંગ કરતા વિડીઓ સહિતની વિગતો વાયરલ થઇ હતી, જેમાં હોમગાર્ડના ઘાતકી દંડાનો શિકાર થનાર છોકરાનું નામ લુકમાન સુલેમાન તાસીયા હોવાનું બહાર આવ્યું છે.

બિનસત્તાવાર રીતે મળતી વિગતો મુજબ એક હોમગાર્ડના પરાક્રમને લઈને માનવતાવાદી અભિગમ ધરાવતા અધિકારીઓના હુકમે સમસ્ત બનાવની ફરિયાદ પણ દાખલ થઇ છે..!! અને પીડિત છોકરાને ન્યાય મળે એ હેતુએ વધું તપાસનો આદેશ પણ કરાયો છે..!! પરંતુ અહી એક વાત એ પણ નકારી શકાય એમ નથી કે મુસ્લિમ સમાજનો છોકરો પીડિત છે માટે ગમે ત્યારે સમાધાન થઇ જાય તો નવાઈ નહિ..!! કારણ કે આજે ગોધરા નગરનો મુસ્લિમ સમાજ જ એવો સમાજ છે કે જ્યાં નામ અને સકલ ઇસ્લામી ધરાવતા અમુક લોકો જુલમ કરનારાઓની સાથે ઉભા છે, જ્યારે કે ખરા અર્થમાં એ મુસ્લિમ નથી ઇસ્લામના નામ પર કલંક છે. આવા કલંકિત લોકોને લઈને પ્રસાશન માટે પણ વિચારાધિન પ્રશ્ન છે કે જે એક સફમાં ઉભા રહી પોતાના સમાજના ના થાય તો એ ન્યાયનો હિત ક્યાંથી વિચારવાના છે માટે જવાબદાર અધિકારીઓ જો અમુક તક સાધુ લોકોની વાતોથી પરહેજ કરી આ સમગ્ર બનાવમાં ન્યાયના હિત ખાતર પીડિતને છોકરાને ન્યાય અપાવશે તો લોકોની નજરમાં કાયદાના સંચાલકોની ઇઝ્ઝત અનહદે વધી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here