ગોધરાની ગાયત્રીનગર સોસાયટીના રહીશોએ રક્તદાનમાં હોંશભેર ભાગ લઈ 30 યુનિટ રક્ત એકત્રિત કર્યું

ગોધરા,

પ્રતિનિધિ :- ઈશ્હાક રાંટા

કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી દેશભરમાં લોક ડાઉનની સ્થિતિ છે ત્યારે બ્લડ ડોનેશનની પ્રવૃત્તિ મંદ પડતા બ્લડ બેન્કોમાં રક્તની અછત સર્જાવા પામી છે. પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સંચાલિત બ્લડ બેંકમાં હાલના સમયમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો તેમજ સગર્ભા બહેનો અને ઓપરેશન જેવા કારણોસર રોજીંદી ૫૦ યુનિટ રક્તની માંગ રહે છે. ત્યારે આવશ્યક જથ્થો જાળવવા માટે રેડક્રોસ સોસાયટીના ચેરમેન અને જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરીને રક્તદાન માટે આગળ આવવા એક અપીલ કરવામાં આવી છે. જેનો ઉત્સાહભેર પ્રતિભાવ આપતા બામરોલી રોડ પરની ગાયત્રી નગર સોસાયટીના રહીશોએ રક્તદાન કરવા ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી લોકડાઉનના નિયમોનો ભંગ ન થાય અને દાતાઓને સંક્રમણનું જોખમ ન રહે તે માટે રેડક્રોસ દ્વારા સોસાયટી ખાતે મોબાઈલ વાન મોકલી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશિયલ ડિસ્ટન્સિંગના પ્રોટોકોલનું પાલન કરતા રહીશોને અલગ અલગ ટાઈમ સ્લોટ ફાળવવામાં આવ્યા હતા. કેમ્પના અંતે કુલ 30 યુનિટ રક્ત એકત્રિત થયું હતું. ઘણા દાતાઓએ જીવનમાં પ્રથમ વાર રક્તદાન કર્યું હતું. આ કપરા સમયમાં સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રક્તદાન માટે આગળ આવનાર શહેરવાસીઓને જીલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ પ્રાંત અધિકારીશ્રીએ અભિનન્દન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here