કોરોના વાયરસના વધતાં સંક્રમણને રોકવા રાજ્ય પોલીસ વડાશ્રી શિવાનંદ ઝાનાં નિર્દેશ અનુશાર જિલ્લા પોલીસ તંત્ર એકશનમાં

ગોધરા,

પ્રતિનિધિ :- સાદિક ચાંદા

▪ લૉકડાઉનનો કડક અમલ સુનિશ્ચિત કરવા પોલીસ વિભાગ અવિરત કામ કરે છે તેમાં નાગરિકોનો સહયોગ જરૂરી છે: રાજ્યના પોલીસવડાશ્રી શિવાનંદ ઝા
▪ અમદાવાદ, સુરત અને વડોદરા શહેરમાં લૉકડાઉનના ચુસ્ત અમલ માટે કેન્દ્ર સરકાર દ્વારા પેરા મિલિટરી દળની પાંચ કુમક ફાળવાઈ
▪ લૉકડાઉન દરમિયાન ડીટેઈન કરાયેલા વાહનો વાહનમાલિકોને પરત કરવાની પ્રક્રિયા આજથી શરૂ
▪ સોશ્યલ મીડિયા દ્વારા ફેલાતી અફવાઓ અને ખોટી માહિતીને નશ્યત કરવા સાયબર સેલ દ્વારા www.fakenews.gujaratcybercrime.org વેબસાઈટ કાર્યરત
▪ લૉકડાઉનનો અમલ કરાવવામાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ સાથે દુર્વ્યવહાર કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે

રાજ્યના પોલીસવડાશ્રી શિવાનંદ ઝાએ કહ્યું છે કે, ગુજરાતમાં લૉકડાઉનનો કડક અમલ સુનિશ્ચિત કરવા પોલીસ વિભાગ અવિરત કામ કરે છે તેમાં નાગરિકોનો સહયોગ જરૂરી છે.

લૉકડાઉનના અમલ દરમિયાન પોલીસ વિભાગની કામગીરીની વિગતો માધ્યમોને આપતાં શ્રી ઝાએ ઉમેર્યું કે, અમદાવાદ, સુરત અને વડોદરા શહેરમાં કોરોના સંક્રમણને ઝડપભેર રોકવા લૉકડાઉનના ચુસ્ત અમલ માટે કેન્ર્વ સરકાર દ્વારા પેરા મિલિટરી દળની પાંચ કુમક ફાળવાઈ છે. જેમાં 2 બીએસએફ, 2 સીઆઈએસએફ અને 1 સીઆરપીએફની મહિલા ટુકડીનો સમાવેશ થાય છે. જે પૈકી અમદાવાદમાં 2, સુરતમાં 2 તથા વડોદરામાં 1 કુમક ફાળવવામાં આવી છે તેમજ રેપીડ એક્શન ફોર્સની 4 કંપનીઓ કાર્યરત રહેશે.

કોરોનાના સંક્રમણને અટકાવવા રાજ્યના ક્લસ્ટર કોરન્ટાઈન વિસ્તારોમાં પોલીસ તંત્રની મદદથી આરોગ્ય વિભાગ દ્વારા લોકોના આરોગ્યની ચકાસણી વધુ સઘન બને તથા આરોગ્ય કર્મચારીઓને સુરક્ષા મળી રહે તે માટે પૂરતો પોલીસ સ્ટાફ ફાળવવામાં આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

શ્રી ઝાએ ઉમેર્યું હતું કે, કોરોના વાયરસ સબંધિત ખોટા સમાચારો તથા ખોટી માહિતીને ઓળખવાનો અને શક્ય તેટલી કોરોના વાયરસ સંબંધિત અધિકૃત માહિતીનો પ્રચાર અને પ્રસાર કરવાના હેતુથી તેમજ સોશ્યલ મીડિયા દ્વારા ફેલાતી અફવાઓ અને ખોટી માહિતીને નશ્યત કરવા રાજ્યના સાયબર સેલ દ્વારા www.fakenews.gujaratcybercrime.org વેબસાઈટ કાર્યરત કરવામાં આવી છે, જેના ઉપર નાગરિકો અફવા કે ખોટી માહિતી અંગેની ખરાઈ અને ફરિયાદ પણ કરી શકશે.

લૉકડાઉન દરમિયાન લૉકડાઉનનો ભંગ બદલ તથા મોટર વાહન કાયદા હેઠળની જોગવાઇઓ મુજબ પોલીસ દ્વારા ડીટેઇન કરેલા વાહનો મુક્ત કરાવવા વાહન માલિકને પોલીસ તથા આર.ટી.ઓ એમ બે કચેરીએ જવું ન પડે તથા સોશ્યલ ડિસ્ટન્સિંગ પણ જળવાય તે હેતુથી લૉકડાઉન દરમિયાન વાહન ડીટેઇન કરવાના ગુન્હાઓ સમાધાન શુલ્ક લઇ ત્વરિત નિકાલ કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે આ માટે જાહેરનામા દ્વારા પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા તેની ઉપરના પોલીસ અધિકારીઓને સત્તા આપવામાં આવી છે તેમ શ્રી ઝાએ ઉમેર્યું હતું.

લૉકડાઉનના ભંગ કરનાર સામે પોલીસ કડક હાથે કામ કરી રહી છે ત્યારે સામાન્ય બહાના બનાવીને કેટલાક લોકો હજીપણ ઘરની બહાર ફરતા હોય છે અને લૉકડાઉનનો અમલ કરાવવામાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ સાથે દુર્વ્યવહાર કરતા હોય છે તેઓની સામે પોલીસ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની માહિતી આપતાં જણાવ્યું હતું કે, આજે ડ્રોન દ્વારા 496 ગુના નોંધવામાં આવ્યા છે અને આજ સુધીમાં કુલ 4,463 ગુનાઓ હેઠળ 9,920 લોકોની ધરપકડ કરવામાં આવી છે. CCTVના માધ્યમથી 88 ગુનાઓ નોંધીને 149 લોકોની અટકાયત કરી છે. આમ અત્યાર સુધીમાં કુલ-706 ગુનાઓમાં કુલ 1,194 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં અફવાઓ બદલ 36 ગુના નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ-202 ગુનાઓ હેઠળ 365 લોકોની ધરપકડ કરાઈ છે. ઉપરાંત સોશ્યિલ મીડિયાનો દુરૂપયોગ કરનારના જુદા-જુદા 9 એકાઉન્ટ બંધ કરવામાં આવેલ છે.

શ્રી ઝાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં લૉકડાઉન દરમિયાન ગઇકાલે જાહેરનામા ભંગના 3,121 ગુનાઓ, કવૉરન્ટાઈન ભંગના 1006 તેમજ અન્ય 467 એમ કુલ 4,594 ગુનાઓ હેઠળ કુલ 7064 લોકોની અટક કરવામાં આવી છે. જ્યારે 2,998 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here