કોરોનાની સાથોસાથ હવે…હીટવેવથી પણ લડવા માટે સજ્જ રહો….!!

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

ઉનાળો તેની ચરમસીમાએ પહોચતા ગરમીના પારામા નોંધપાત્ર વધારો નોંધાશે….!!

હીટવેવની અસરથી બચવા માટે સાવચેતી-તકેદારીરૂપે નેશનલ ડિઝાસ્ટર મેનેજેમન્ટ ઓથોરીટી દ્વારા સૂચવાયેલા ઉપાયો

નર્મદા વહીવટીતંત્ર દ્વારા તકેદારીઓને લક્ષમાં લેવા અનુરોધ

નેશનલ ડિઝાસ્ટર મેનેજેમન્ટ ઓથોરીટી તરફથી હીટવેવથી રહેતી મહત્તમ અસરથી બચવા બાબતે જરૂરી તકેદારી રાખવાનાં કરેલા સૂચનો અને ઉપાયોને લક્ષમાં લેવા નર્મદા જિલ્લા વહીવટીતંત્ર તરફથી જાહેર અનુરોધ કરવાની સાથે આ અંગે જરૂરી સાવચેતી રાખવાની પણ જાહેર અપીલ કરાઇ છે. રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધિકરણ (NDMA) તરફથી હીટવેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું, લૂની અસર પામેલી વ્યક્તિની સારવાર માટેનાં ઉપાયો તથા આબોહવા અનુકૂલન સંદર્ભે નીચે દર્શાવ્યા મુજબ જરૂરી માર્ગદર્શન અપાયું છે.

તદઅનુસાર હીટવેવ દરમિયાન શું કરવું જોઇએ તેમાં સુચવાયેલી બાબતો સંદર્ભે મોસમની આગાહી જાણવા માટે નિરંતર રેડીયો સાંભળવું, ટીવી જોવું અને સમાચાર પત્ર વાંચતા રહેવું, તરસ ના લાગી હોય તો પણ થોડા થોડા સમયે પાણી પીતા રહેવું, હલકા રંગના ઢીલા અને હળવા સુતરાઉ કપડાં પહેરવા, કારણવશ બહાર જવાનું થાય તો ચશ્મા, છત્રી, ટોપી, બુટ અને ચંપલનો ઉપયોગ કરવો, મુસાફરી દરમિયાન સાથે પીવાનું પાણી રાખવું, સૂર્યના સીધા પ્રકાશમાં કામ કરવાનું થાય ત્યારે છત્રી તથા ટોપીનો ઉપયોગ કરવો તથા માથા, ગળા અને ચહેરા પર ભીનું કપડું રાખવું, ઘરે બનાવેલ પીણાં જેવા કે લસ્સી, કાંજી, લીંબુ પાણી, છાસ વગેરેનો વધુ ઉપયોગ કરવો, હીટવેવની અસર દરમિયાન સ્નાયુનું ખેંચાવું, શરીર પર ફોલ્લી થવી, કમજોરી આવવી, ચક્કર આવવાં, માથું દુખવું, ઉબકા આવવા, વધારે પરસેવો થવો, શરીર જકડન જેવા લક્ષણો જોવા મળે છે. જો નબળાઇ અથવા બિમારી જેવું લાગે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો, પશુ પંખીઓને શેડની નીચે / છાંયામાં રાખો અને પીવા માટે પુરતા પ્રમાણમાં પાણી આપતા રહો, ઘરને ઠંડુ રાખવા માટે પડદા અને શટરનો ઉપયોગ કરો અને રાત્રે બારીઓ ખોલી દો, ઘરમાં પંખા તથા ભીના કપડાનો ઉપયોગ કરો અને વારંવાર ઠંડા પાણીથી નાહવો, કામના સ્થળે ઠંડા પાણીની વ્યવસ્થા રાખો, કામદારો સૂર્યના સીધા તાપમાં કામ ન કરે તેની સાવધાની રાખો, વધારે શ્રમવાળુ કામ કરનારે ઠંડા પહોરમાં કામ કરવાનું ટાઇમ ટેબલ બનાવવું, બહાર કામ કરવાવાળાઓએ વારેવારે લાંબો આરામ લેવો, સગર્ભા કામદારો ઉપર વધારે ધ્યાન આપવું જોઇએ વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે.

તેવી રીતે હીટવેવ દરમિયાન શું ન કરવું જોઇએ તેમાં સુચવાયેલી બાબતો સંદર્ભે બાળકો અને પાળેલા પ્રાણીઓને ઉભા રાખેલા વાહનોમાં એકલા છોડવા નહીં, સૂર્યના તાપમાં જવાનું ટાળો, ખાસ કરીને બપોરે ૧૨-૦૦ થી ૩-૦૦ દરમિયાન, ભડકાઉ કલરના, ટાઇટ, રેશમી તથા ભારે કપડા પહેરવાનું ટાળો, બહારનું તાપમાન વધારે હોય ત્યારે વધારે મહેનતવાળુ કામ ન કરો. બપોરે ૧૨ થી ૩ દરમિયાન કામ કરવાનું ટાળો, તાપમાન વધારે હોય ત્યારે રસોઇ ઘરમાં ઓછા સમય રહો. ચા, કોફી, આલ્કોહોલ અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રીંક લેવાનું ટાળો, વધારે પ્રોટીનયુક્ત ખોરાક તથા ઉતરી ગયેલ ખાદ્ય પદાર્થ લેવાનું ટાળવું જોઇએ વગેરે જેવી બાબતોનો તેમા સમાવેશ થાય છે.

હીટવેવ સંબંધિત સલામતીના પગલાં લેવા સુચવાયેલી બાબતોમાં સખત પરિશ્રમવાળુ કામ કરવાનું ટાળો અથવા બંધ રાખો અને ઠંડા પહોરમાં કામ કરવાનું આયોજન બનાવો. ઘરમાં જે શક્ય ન હોય એવું કામ ઠંડા સ્થળે અથવા છાંયડામાં રહીને કરી શકાય, વજનમાં હલકાં અને હળવા કલરના કપડાં ગરમી અને સૂર્યપ્રકાશને પરાવર્તિત કરે છે. જેથી શરીર સામાન્ય તાપમાન જાળવી શકે. શરીરના ખુલ્લા રહેતા ભાગ પર એસ.પી.એફ. સનસ્ક્રીન લોશન લગાવવું અને મોટી ટોપી પહેરો, જેનાથી ચહેરો અને માથું ઢંકાયેલું રહે, ખાદ્ય પદાર્થોમાં પ્રવાહી પ્રકારનું લેવાનું પસંદ કરો. જેથી તરસ મહેસુસ નહીં થાય. ચા તથા કોફી લેવાનું ટાળો, કારણ કે તેની અંદરના તત્વો શરીરની અંદરનું પાણી પેશાબ દ્વારા ઓછું કરે છે. આલ્કોહોલ યુક્ત પીણા પણ વધુ પેશાબ દ્વારા (ડીહાઇડ્રેટ) શરીરનું પાણી ઓછું કરે છે. વારંવાર થોડું થોડું ઓછા પ્રોટીનવાળો ખોરાક લેવાનું રાખો.ફળ, શાકભાજી અને સલાડ વગેરે),સામાન્ય ધર કરતાં એરકન્ડીશન (વાતાનુંકુલીત) ઘરમાં હીટવેવનું જોખમ સંપૂર્ણ ઘટી જાય છે. જો તમને એર કન્ડીશન પરવડી શકે તેમ ન હોય તો થોડા સમય માટે (ગરમ હવામાનમાં) તમે તેનો ઉપયોગ કરી શકો છો. ઘરમાં વીજળીથી ચાલતો પંખો રાખો, વધારે તાપમાનમાં ગરમીને દુર કરવું મુશ્કેલ બને છે. જેથી તાપમાં જવાનું ટાળવું, બાળકો, વૃધ્ધો, નાના બાળકો, શિશુઓ અને એ લોકોની ખાસ સંભાળ રાખવી જે લોકો લાંબા સમયથી કોઇ બિમારીથી પીડાતા હોય, એવા લોકો હીટવેવ સમયે વધુ અસુરક્ષિત હોય છે, પાળેલા જાનવરોને ઘરમાં રાખવું અથવા તેમને છાંયડામાં રાખો અને ઠંડુ પાણી પુરતા પ્રમાણમાં આપવું. પાણીનું પાત્ર વારંવાર ભરવું. પાળેલા પ્રાણીઓને અથવા અન્ય કોઇને પાર્કિંગ કરેલા વાહનોમાં અથવા પાસે રાખવું નહીં, ઉનાળાની ગરમી એ મૌસમી સંકટોમાંની એક છે. ગરમીના ઘાતક અસરથી મોટા ભાગના લોકો અજાણ છે. તોફાન અને પૂરની જેમ દેખાય તેવા ખતરાને બદલે ગરમી એક મુક કાતિલ છે. ધ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલના રીપોર્ટ અનુસાર દર વર્ષે અંદાજે ૩૫૦ જેટલા લોકો હીટવેવના પ્રભાવથી મૃત્યુ પામતા હોવાની જાણકારી પણ રિપોર્ટમાં દર્શાવાયેલ છે.

લૂની અસર પામેલી વ્યક્તિની સારવાર માટેનાં સુચવાયેલા ઉપાયોમાં વ્યક્તિને ઠંડી જગ્યામાં છાયડા નીચે સુવડાવવા. તેને / તેણીને ભીના કપડાથી લુછવા / શરીરને વારેવારે ઘોવા, માથા પર સામાન્ય હુંફાળુ પાણી રેડવા જેવી મુખ્ય બાબત શરીરનાં તાપમાનને નીચે લાવવાની છે, આવી વ્યક્તિને પીવા માટે ઓઆરએસ અથવા લીંબુ શરબત કે તોરણી (ચોખાનું પાણી) અથવા શરીરમાં ફરી પાણીનો સંગ્રહ થાય તેવી કોઇપણ વસ્તુ આપવા, આવી વ્યક્તિને તાત્કાલિક નજીકનાં આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવા અને લૂ ઘાતક નીવડી શકે તેમ હોય, દરદીને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવા જેવા ઉપાયો તાત્કાલિક હાથ ધરવાની પણ ભલામણ કરાઇ છે.

આબોહવા અનુકૂલન માટે સુચવાયેલી બાબતોમાં વધુ ઠંડી આબોહવામાંથી ગરમ આબોહવામાં આવતા વ્યક્તિઓને વધુ ખતરો હોય છે. ગરમીનાં મોજાની ઋતુ દરમિયાન કુંટુબની મુલાકાતે આવા વ્યક્તિ (ઓ) આવતા હશે. તેઓનું શરીર ગરમ આબોહવાને અનુકૂળ ન થાય ત્યાં સુધી તેઓએ એક અઠવાડિયા સુધી ખુલ્લા મેદાનમાં ફરવું જોઇએ નહીં અને પુષ્કળ પાણી પીવું જોઇએ. ગરમીના મોજા દરમિયાન ગરમ આબોહવાના ધીમે ધીમે સંપર્કમાં આવીને આબોહવા સાથે અનુકૂલન સાધી શકાય છે. જેની જાહેર જનતાને નોંધ લેવા નર્મદા જિલ્લા વહીવટીતંત્ર તરફથી જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here