કેવડીયા મુદ્દે રાજય સરકાર ,SSNL, નર્મદા પોલીસ પર ગંભીર આરોપ સાથે રાજયપાલને આવેદનપત્ર…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લા ગરૂડેશ્વર તાલુકાના આદિવાસીઓ સાથે જાતિગત ભેદભાવ, અમાનવીય વર્તન અને માનવ અધિકારોનું હનન

ઇનડિજીનસ આર્મીના પ્રફુલ વસાવાએ રાજ્યપાલને પત્ર લખી આદિવાસીઓના પ્રશ્ને તટસ્થ અને નિષપક્ષ બની ન્યાય અપાવવાની માંગ કરાઇ

કેવડીયાના 6 ગામના અસરગ્રસ્ત આદિવાસી ઓનો મુદ્દો દિનપ્રતિદિન ગંભીર બનતો જઇ રહ્યો છે ,આદિવાસી સમાજના સંગઠનો અસરગ્રસ્તોની વહારે આવી રહયા છે, સોશિયલ મિડીયામા આદિવાસીઓની સાંસ્કૃતિક ઓળખ સમી તેમની જમીનો પડાવાઇ રહી હોવાના સરકાર પર આરોપ લગાવવામાં આવી રહયા છે ત્યારે ઇનડિજીનસ આર્મીના પ્રફુલ વસાવાએ રાજ્ય પાલને ઇ-મેલ દ્વારા ફરિયાદ કરી આદિવાસીઓને ન્યાય અપાવવાની ગુહાર લગાવી છે. રાજયપાલિકાને લખેલા પત્રમાં ગુજરાત રાજ્યના મુળ રહેવાસીઓ આદિવાસીઓ આપશ્રીને અપિલ કરીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારના ગામોમાં ગુજરાત સરકારના આદેશથી કોવિડ- ૧૯ કોરોના લોકડાઉનની આડમા સરદાર સરોવર નર્મદા નિગમ અને નર્મદા પોલિસના સહારે આદિવાસીઓ સાથે નીચલા હદે જઈ અમાનવીય વર્તન થઈ રહયાં છે. સરદાર સરોવર નર્મદા નિગમ આદિવાસીઓની જમીનો ખોટી રીતે પડાવી રહી છે, સરકાર લોકડાઉનનો ગેરફાયદો ઉઠાવી વિવાદિત જમીનો પર વીસેક દિવસથી માપણી કાર્ય તેમજ તારની વાડ કરાવી રહી છે જે અંગે સ્થાનિક લોકો કે આગેવાનોને કોઈ પણ જાતની જાણ કર્યાં વિના જાણે કર્ફ્યુ લાગ્યું હોય એમ પોલિસ તૈનાત કરી દેવામાં આવે છે જેનાથી આ ગામોમાં હાલ ભયંકર ડરનો માહોલ ઉભો થયો છે. ગરુડેશ્વર તાલુકાનો આ સમગ્ર વિસ્તાર ભારતીય બંધારણની અનુસૂચિ – ૫ મુજબ અનુસૂચિત આદિજાતિ વિસ્તાર તરીકે જાહેર છે પરંતુ અનુસૂચિત આદિજાતિના લોકોને આ વિસ્તારમાંથી ખસેડવામાં ગુજરાત સરકાર નવા નવા પ્રોજેક્ટો લાવી આદિવાસીઓની જમીનો ગેરબંધારણીય રીતે સરદાર સરોવર નર્મદા નિગમના સહારે હડપી રહી છે. આ વિસ્તારોની ગ્રામસભા ઓને પૂછ્યા વગર સરદાર સરોવર નર્મદા નિગમ જાણે ભારતીય બંધારણથી ઉપર હોય તેમ મનફાવે તેમ નિર્ણયો લઈ આદિવાસીઓ પર પોલિસનો સહારો લઈ અત્યાચાર ગુજારી રહી છે.
નર્મદા જિલ્લા પોલિસ જાણે લોકો માટે છે જ નહીં તેવું વર્તન આદિવાસીઓ સાથે કરી રહી છે. નર્મદા પોલિસ આદિવાસીઓ સાથે ગાળો બોલી ગેરકાનૂની રીતે ડરાવી- ધમકાવીને ઢોર માર મારી રહી છે તેમજ આદિવાસી પર ખોટાં કેસો કરવાની ધમકીઓ આપી રહી છે અને હવે તો નર્મદા જિલ્લા પોલિસ એટલી હદે પહુંચી છે કે પુરુષ પોલિસ કર્મચારીઓ ની હાજરી મા આદિવાસી મહિલા ઓની સાડી ઉતરી અપમાનિત કરી માનસિક ત્રાસ આપી રહી છે..

નર્મદા જિલ્લામાં જે થઈ રહ્યું છે તેની ઉપર થી લાગી રહ્યું છે કે આદિવાસી સંસ્કૃતિ, ઓળખ, અસ્મિતા ને ખતમ કરવાનું મોટું ષડયંત્ર રચાય રહયું છે. આદિવાસી ઓના બંધારણીય અધિકારો ને ગુજરાત સરકાર ધીરે ધીરે વિકાસ ના નામે સમાપ્ત કરી રહી છે.. અનુસૂચિત આદિજાતિના લોકો ના હક્ક અધિકારો ના જતન માટે બંધારણીય જોગવાઈ મુજબ રાજભવનમાં ટ્રાઈબલ સેલની રચના કરવાની હોય છે પરંતુ ગુજરાત રાજ્યના રાજભવનમાં આજદિન સુધી ટ્રાઈબલ સેલની રચના થઈ નથી જેના પરીણામે અનુસૂચિત આદિજાતિના લોકો પર દિવસે ને દિવસે અત્યાચાર વધી રહયાં છે..

ગુજરાતનો આદિવાસી સમાજ માંગ કરે છે કે રાજભવનમાં ટ્રાઈબલ સેલની રચના કરવામાં આવે.

ગુજરાત સરકાર જેવી રીતે હાલ વિકાસના નામે આદિવાસીઓ સાથે જાતિગત ભેદભાવ રાખી વર્તન કરી કે કરાવી રહી છે તેની ઉપરથી લાગી રહ્યું છે કે આદિવાસીઓને ભારતીય બંધારણની વિરૂદ્ધ કૃત્યો કરવા માટે સરકાર ઉશ્કેરી રહી છે. નર્મદા જિલ્લામાં આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા કર્મચારીઓનું પોસ્ટીંગ કરી આદિવાસી લોકોને દબાવવા જાણે બધા જ પ્રકારની છુટછાટ આપી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.
જાે ગરૂડેશ્વર તાલુકામાં અનુસૂચિત આદિજાતિના લોકો સાથે થઈ રહેલા અમાનવીય વર્તન અને માનવઅધિકારો નું હનનને નહિ રોકવામાં આવે છે તો આવનારા સમયમા આ આખા વિસ્તારના આદિવાસીઓ મહામુશ્કેલીઓમાં પડી જશે જેથી આપશ્રીને આદિવાસી સમાજ વતી વિનંતી કરું છું કે આપ તટસ્થ અને નિષ્પક્ષ બની આદિવાસીઓ માટે નિર્ણય લો અને આ વિસ્તારના આદિવાસીઓને બચાવી લેવાની રાજયપાલને આવેદનપત્ર દ્વારા ગુહાર કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here