કાલોલ શહેરમાં કોરોના અંગે જીલ્લા કલેકટરે કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારોની ઓચિંતી મુલાકાત લઈ સમીક્ષા કરી…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ શહેર અને તાલુકામાં લોકડાઉનના સાઈઠ દિવસો સુધી સંક્રમણનો એક પણ કેસ નોંધાયો નહોતો. પરંતુ પાંચમા લોકડાઉન એટલે કે અનલોક-૦૧ દરમ્યાન છુટછાટ આપવામાં આવતા તંત્રની નિષ્ક્રિયતા, પ્રવાસી હેરફેર અને લોકોની બેદરકારીને પગલે વાયરસે પગપેસારો કરતા ધીમે ધીમે સંક્રમણનો પ્રભાવ વધતા પાછલા ત્રણ અઠવાડિયામાં કાલોલ શહેરમાં સાત અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સાત પોઝીટીવ કેસો મળી કુલ ૧૪ કેસો પ્રકાશમાં આવ્યા હતા. જેને પગલે સંક્રમણના પ્રભાવને રોકવા માટે તંત્ર દ્વારા પ્રક્રિયા મુજબ કોરોના અસરગ્રસ્ત વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી આ અસરગ્રસ્ત વિસ્તારોના પ્રવેશ માર્ગોને સીલ કરી કોર્ડન કરવામાં આવ્યા હતા. જોકે કાગળ પર ચીતરેલી કાર્યવાહી જેવા આ કન્ટેનમેન્ટ વિસ્તારોના પ્રવેશ માર્ગો પર શોભાના ગાંઠીયા સમાન ફક્ત અડાશો ઉભી કરી લોક ભરોસે છોડી દેતા તંત્રની કોઈ દેખરેખ વિનાના આ કન્ટેનમેન્ટ વિસ્તારોમાંથી લોકો છીંડાં પાડી ખુલ્લેઆમ અવરજવર કરતા અને દિવસભર ધંધો રોજગાર કરતા પણ જોવા મળે છે. આવી વિષમ પરિસ્થિતિમાં મંગળવારે સાંજે જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ શહેરના કન્ટેનમેન્ટ કરેલા સાધના સોસાયટી અને ઓમ ડુપ્લેક્ષના અસરગ્રસ્ત વિસ્તારોની ઓચિંતા મુલાકાત કરી કન્ટેનમેન્ટ ઝોન અંગે લોકો સાથે વાતચીત કરી પરિસ્થિતિ અને સંક્રમણના પરિણામોની ગંભીરતા સમજાવી હતી. તદ્ઉપરાંત અનલોક-૧ દરમ્યાન સાધના સોસાયટીમાં સરકારી શરતોને અવગણીને બેદરકારી દાખવી કરેલા જમણવારના કાર્યક્રમ અંગે ઠપકો પણ આપ્યો હતો. જેથી તેમને કરેલી બેદરકારીની ભુલ નગરમાં ના ફેલાય એ માટે તંત્રની ગાઇડ લાઇન મુજબ કન્ટેનમેન્ટ ઝોનની શરતોનું પાલન કરવા માટે લોકોને સમજાવ્યા હતા.
આ મુલાકાત સંદર્ભે કાલોલ શહેર વિસ્તારમાં સોશ્યિલ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્કની લાપરવાહીની લાલીયાવાડી જેવો નજારો જોઈને જિલ્લા કલેકટરે કોરોના સંક્રમણને વધુ ફેલાતો રોકવા અને તેને નાથવા માટે સ્થાનિક તંત્રને સજાગ કરી આગામી સમયમાં કન્ટેનમેન્ટ ઝોન કે જાહેર સ્થળોએ અનલોક-૧ અંતર્ગત બેદરકારી દાખવતા લોકો સામે અસરકારક રીતે કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવા માટે તાકીદ કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here