કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા
છાકટા બનેલા દારૂના વેપારીઓ (બુટલેગરો) પર લગામ કસવા માંગ…
કાલોલમાં લોકડાઉન દરમિયાન દારુની હેરફેર કરતા પકડાયેલા આરોપી તપન રમેશ ધોબી તથા રોહિત રમેશ રાઠોડે રાણાવાસમાં રહેતા રોહિતભાઈ રતિલાલ રાણા ઉપર તે જ અમોને પોલીસમાં પકડાવી દીધા છે એવું કહી વહેમ રાખી રોહિત ભાઈના ઘરે મંગળવારે રાત્રે આવી તેના છોકરાઓને કહેલ કે અમે આજે તો તારા બાપને છોડવાના નથી એવું કહેતા રોહિતભાઈએ કાલોલ પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસે લેખિતમાં તેઓની અરજી મેળવી હતી. આ સમય દરમિયાન તપન ધોબી રોહિત રાઠોડ તથા તેના સાગરિતો હર્ષદ બાબુભાઈ રાઠોડ તથા કરણ બાબુભાઈ રાઠોડ રાણાવાસ ગોલવાડમાં ધસી આવી રોહિત રતિલાલ રાણાના ઘરે ગંદી ગાળો અમારા વિરુદ્ધ ફરિયાદ કરવા કેમ ગયા તેમ બોલી બોલી છુટા પથ્થરો અને લાકડીઓ વડે બારીના કાચ તોડી નાખ્યા તથા રોહિતભાઈ જ્યાં કામ કરે છે ત્યાં કૃષ્ણ લસ્સી વાળાના ઘરે તમામ બારીઓના કાચ તોડી નાખ્યા નજીકમાં પડેલા વાહનોની તોડફોડ કરી અશ્લીલ ગાળો બોલી ભયનું સામ્રાજ્ય ફેલાવી દીધું હતું. તપન ધોબીએ એક મહિલા સાથે પણ અસભ્યવર્તન કરી ધક્કો મારી લાફો માર્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવેલ છે. આ ચારે જણા ગાળો બોલવા ઉપરાંત મારી નાખવાની ધમકી આપતા હતા. જોકે ત્યારબાદ ટોળું એકત્ર થતા હુમલાખોરો ભાગી ગયા હતા પરંતુ થોડા સમય બાદ તેમનો અન્ય એક સાગરિત રાજુ ઉર્ફે બજાજ પ્રવીણચંદ રાવલ હાથમાં લાકડાનો ડંડો લઈને આવેલ અને ગંદી ગાળો બોલી તમે મારા મિત્રો સાથે ઝઘડો કેમ કર્યો કેમ કહીને નજીકમાં પડેલ મોટર સાયકલની તોડફોડ કરી જેથી ત્યાં ઉભેલા લોકોએ પકડવાની કોશિશ કરતા બાથાબાથી કરી ભાગી ગયેલ.
આમ આ તમામ આરોપીઓએ એક સંપ કરી તપન ધોબી અને રોહિત રાઠોડને લોકડાઉનમાં દારૂના કેસમાં રોહિતભાઈ રતિલાલ રાણાએ પકડાવી દીધેલ હોવાની શંકા રાખી તેનું વેર વાળવાના ભાગરૂપે તેના ઘરમાં અને આસપાસના ઘરો માં છુટા પથ્થરો ,કાચ ની કલર ભરેલી બોટલો છૂટ્ટી મારી,લાકડાના ડંડા વડે હુમલો કરી ,તોડફોડ કરી, ગંદી ગાળો બોલી, મારી નાખવાની ધમકી આપી સુલેહ શાંતિનો ભંગ કરી, જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી રૂ ૭૫,૦૦૦/નુકસાન કરી ભાગી ગયેલ જેની જાણ પોલીસને કરતા પોલીસે ત્રણ વ્યક્તિને નજરકેદ કરેલ છે જેમાં તપન ધોબી તથા રાજુ ઉર્ફે બજાજ રાવલ અને કરણ રાઠોડ ને નજરકેદ કરી સરકારની નવી ગાઇડલાઇન મુજબ કોરોના ટેસ્ટ કરાવવા માટે ની તજવીજ હાથ ધરી છે. જોકે આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ રોહિતભાઈ રાણાની કિશોર વયની દીકરી ની આ માથાભારે શખ્સો દ્વારા છેડતી પણ આ ઝગડા નું મૂળ હોવાનું ચર્ચાય છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી વિદેશી દારુની હેરફેર અને વેચાણમાં તપન ધોબી કાલોલ ખાતે સક્રિય થયો છે તથા કેટલાક નામચીન માણસો સાથે મારપીટ કરી માથાભારે માણસ તરીકે ની છાપ ઉભી કરી છે. આવા તત્વો ને યોગ્ય નશ્યત કરવાની કાલોલના નગરજનોની માંગ છે. કાલોલ પોલીસે પાંચ ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી ટાઉન જમાદાર ચંદનસિંહ દ્વારા તપાસ શરૂ કરી બાકી રહેલ બે ઇસમોની શોધખોળ હાથ ધરી છે તથા તોડફોડ કરેલ ઘરમાં લગાડેલ સીસીટીવી ના ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.