કાલોલ પાલિકા તંત્ર માટે કોવિડ-19 વિશેની ગંભીરતા માત્ર બેનર પુરતી સીમિત…પ્રતિબંધ કરેલ વિસ્તારમાં લારીઓનો જમાવડો…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલમાં કોવિડ -19 બીમારીને કારણે નગરપાલિકા દ્વારા ગોહયા બજાર વિસ્તારમાં કોઈપણ ફેરીયાઓએ પ્રવેશ કરવો નહીં તેવા બોર્ડ લગાવવામાં આવ્યા છે અને ગોહયા બજાર વિસ્તાર કાલોલ નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરેલો છે. આ વિસ્તારમાં કાલોલ ટાઉન પોલીસ ચોકી આવેલ છે તથા તેની બિલકુલ સામે શાકમાર્કેટ આવેલું છે આ ઉપરાંત કેટલાક છૂટક લારીઓવાળા આ વિસ્તારમાં ઉભા રહેતા હોય છે. જ્યાં સુધી ફેરીયાઓનો સવાલ છે ત્યાં સુધી આ વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાંથી સિઝનેબલ ફળફળાદી- શાકભાજી લઈને આવતા મહિલાઓને પુરુષો ટોપલો લઈને વેપાર ધંધો કરતા હોય છે એ સિવાય બીજા કોઈ ફેરિયાઓ આ વિસ્તારમાં જોવા મળતા નથી હાલમાં નગરપાલિકા દ્વારા શનિવારના રોજ આ બોર્ડ લગાવવામાં આવેલ છે આ બોર્ડની નીચે શાકભાજીની લારીવાળા વેપાર ધંધો કરતા જોવા મળે છે તેથી આ વિસ્તારમાં નગરપાલિકાનું બોર્ડ ફારસરૂપ બની રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ફેરિયાઓ કોરોના વાયરસ ફેલાવતા હોય તે રીતે આ બોર્ડ લગાવવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે બીજી તરફ આ બજારમાં શાકભાજી લેવા આવનાર લોકોની ભીડ અટકાવવા માટે નગરપાલિકાએ કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. આવા બોર્ડ લગાવીને કાલોલ નગરપાલિકા દ્વારા કોવિડ-૧૯ ની કામગીરીનો માત્ર દેખાડો જ કરવામાં આવેલ હોવાનું મનાય રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here