કાલોલ : તંત્રની દેખરેખ હેઠળ ચોમાસાને અનુલક્ષીને રેસ્કયુ ટીમ દ્વારા કરાડ નદીમાં મોકડ્રીલ યોજાઈ…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ મામલતદાર અને પાલિકા તંત્ર દ્વારા આગામી ચોમાસુ સિઝનમાં થતા ભારે વરસાદ અને પૂરના સમયે રાહત અને બચાવ કામગીરી કરતી ફાયરબ્રિગેડની રેસ્કયુ ટીમ તૈનાત કરવામાં આવી છે. જે અંતર્ગત શુક્રવારે કાલોલ-હાલોલ વચ્ચે આવેલી કરાડ નદી પરના ચેકડેમમાં ન્હાવા પડેલા એક યુવાન પાણીમાં ગરકાવ થઈ જતાં તેને ડુબતો જોઈ આજુબાજુના લોકોએ આ ઘટના અંગે ઇમરજન્સી હેલ્પલાઈન નંબર ૧૦૧ અથવા તાલુકા હેલ્પલાઈન નંબર ૨૬૭૬ ૨૩૫૧૦૧ દ્વારા કાલોલ ફાયરબ્રિગેડ વિભાગને જાણ કરતા તાત્કાલિક અસરથી ફાયરબ્રિગેડની રેસ્કયુ ટીમ દ્વારા લાઈફ ગાર્ડ સાથે ઘટના સ્થળે પહોંચી ડુબતા યુવાનને ઉંડા પાણીમાંથી બહાર કાઢી બચાવ માટે જરૂરી એવી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે નજીકની રેફરલ હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી કરતી સમગ્ર ઓપરેશન અંગે મોકડ્રીલ યોજાઈ હતી. જે મોકડ્રીલ અંગે ફાયર બ્રિગેડની રેસ્કયુ ટીમની સમયસૂચકતા, તાલીમ અને બચાવ કામગીરી જોઈને ઘટનાસ્થળે ઉપસ્થિત મામલતદાર અને પાલિકા તંત્ર દ્વારા રેસ્કયુ ઓપરેશન ટીમની સરાહનીય કામગીરીની સમીક્ષા અને પ્રસંશા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ શહેર અને તાલુકા માટે આગામી ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ અને પૂરની ઘટના સંદર્ભે રાહત અને બચાવ કામગીરી માટે રેસ્કયુ ટીમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેથી આગામી ચોમાસા દરમ્યાન સમગ્ર તાલુકાને અનુલક્ષી રેસ્કયુ માટે ૧૦૧ અથવા ૨૬૭૬ ૨૩૫૧૦૧ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની મદદ માટે ૨૬૭૬ ૨૩૫૩૩૯ સંપર્ક કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here