કાલોલમાં લોકડાઉન દરમ્યાન સોશ્યિલ ડિસ્ટન્સ સાથે યોજાયો પહેલો લગ્ન પ્રસંગ….નવદંપતિએ માસ્ક પહેરીને સપ્તપદીના ફેરા ફર્યા…

કાલોલ (પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ નગરના નવાપુરામાં રહેતા ચેતનકુમાર કેશવલાલ કાછીયાની દિકરી ધ્વનિની સગાઈ આણંદ રહેતા નિકુંજકુમાર પટેલ સાથે ઘણા સમયથી કરવામાં આવી હતી. જે અંગે બન્ને પરિવારોએ મળીને અગાઉ બન્નેના લગ્ન ૨૬ એપ્રિલ અખાત્રીજના દિવસે સમાજના રીતરિવાજો મુજબ નક્કી પણ કરવામાં આવ્યા હતા. પરંતુ એ સમયે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે અમલમાં મૂકવામાં આવેલા બીજા તબક્કાના લોકડાઉન અંતર્ગત જિલ્લા તંત્રના જાહેરનામા મુજબ કોઈ જાહેર લગ્ન પ્રસંગ યોજવાની છુટ નહીં મળતા બન્ને પરિવારોએ અખાત્રીજના લગ્ન રદ કરવા પડ્યા હતા. જેથી ત્રીજા તબક્કાના લોકડાઉન દરમ્યાન જિલ્લા તંત્રના જાહેરનામા મુજબ થોડી છુટ મળવાની જાણકારીને પગલે બન્ને પરિવારોના વડીલોએ ૦૬/૦૫ના રોજ રજૂઆત કરતાં જિલ્લા તંત્રએ કાલોલ વિસ્તારમાં કોરોના સંક્રમણનો કોઈ કેસ નોંધાયો નહીં હોવાને કારણે સરકારના જાહેરનામાની ગાઈડ લાઈન અને શરતોને આધીન ૧૪/૦૫ના રોજ લગ્ન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જે ગાઇડલાઇન મુજબ બન્ને પરિવારોએ ગોર મહારાજની હાજરી સાથે ફક્ત ૫૦થી વધુ માણસોને ભેગા નહીં કરવા અને ફરજીયાત માસ્ક પહેરીને સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરવાની શરતોના પાલન સાથે ૧૪/૦૫ને ગુરુવારે આ લગ્ન તટસ્થ સ્થળ તરીકે મધવાસ ગામના ગૌષ્ણેશ્ર્વર મહાદેવ મંદિરના પ્રાંગણ ખાતે પસંદગી કરી સમાજની પરંપરા મુજબ સાદગીપુર્ણ રીતે ગોરસ લગ્ન યોજાયા હતા. આ લગ્ન પ્રસંગે તંત્રની ગાઇડલાઇન મુજબ વરપક્ષેથી મર્યાદિત એવા નવ જેટલા સગાસંબંધીઓ જાનમાં આવ્યા હતા અને કન્યા પક્ષ તરફથી ત્રીસ એક પરિવારજનોની હાજરી સાથે ૫૦થી પણ ઓછા વ્યક્તિઓ સાથે, સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરી અને તમામ સબંધીઓએ ફરજિયાત માસ્ક પહેરીને લગ્ન પ્રસંગ યોજ્યો હતો, જયારે નવદંપતિએ પણ માસ્ક પહેરીને લગ્નવિધિ સંપન્ન કરી પ્રભુતામાં પગલાં પાડયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ લગ્ન પ્રસંગે તંત્રની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવે છે કે નહીં એ જોવા માટે તંત્ર દ્વારા જરૂરી દેખરેખ પણ રાખવામાં આવી હતી. આમ કાલોલ વિસ્તારમાં કોરોના વાયરસના ભયના માહોલમાં અને લોકડાઉનના અમલ વચ્ચે પહેલો લગ્ન પ્રસંગ યોજાતા નવદંપતિએ, કાછીયા પરિવારે અને સમાજે રાહતનો શ્વાસ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here