કાલોલમાં પાછલા છ દિવસથી કોરોનાનો કોઈ કેસ નહીં નોંધાતા તંત્રને રાહત : ત્રણ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ પંથકમાં ચાલુ સપ્તાહ દરમિયાન પાછલા છ દિવસોમાં એક પણ કેસ પ્રકાશમાં નહીં આવતા તંત્ર અને લોકોને મોટી રાહત મળી હતી. જ્યારે શનિવારે સંક્રમિત થયેલા દર્દીઓ પૈકી ત્રણ દર્દીઓએ કોરોનાને માત આપતા તેઓને હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવી હતી. જેમાં કાલોલ નગરના પ્રથમ કોરોના સંક્રમિત દર્દી બનેલા કોલેજ વિસ્તારમાં આવેલી સાધના સોસાયટીના જીતેન્દ્રકુમાર શાહનો વડોદરા સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન કોરોના રીપોર્ટ નેગેટિવ આવતા કોરોના સારવારથી મુક્તિ મેળવી સ્વગૃહે પરત ફર્યા છે. તદ્ઉપરાંત શેઠ ફળિયાના સંક્રમિત બનેલા નિલાક્ષીબેન શેઠ અને કંડાચના શીતલબેન ગોહિલને પણ કોરોના હોસ્પિટલ ગોધરા ખાતે સારવાર દરમ્યાન કોરોનાને માત આપી આ બંને દર્દીઓને હોસ્પિટલમાંથી મુક્તિ આપવામાં આવી હતી. જોકે ગોધરા સ્થિત સાજા થયેલા આ બંને દર્દીઓને તકેદારીના ભાગરૂપે મકાઈ સંશોધન કેન્દ્ર ગોધરા ખાતેના સરકારી કોરોન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.
આ અગાઉ પણ તાલુકા પંથકના એરાલ અને વેજલપુર ગામના એક એક દર્દીએ કોરોનાને માત આપી સાજા થઈ સ્વંગૃહે પરત ફર્યા હતા. જ્યારે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મલાવના રસિકભાઈ પટેલનું નિધન થયું હતું. આમ કાલોલ વિસ્તારમાં નોંધાયેલા ૧૪ કેસો પૈકી રિકવર થયેલા ૫ કેસ અને ૧ મોત મુજબ હાલ આઠ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું હતું.

કાલોલ કોરોના અપડેટ

એરાલ- ૧ (રિકવર) વેજલપુર – ૧(રિકવર) મલાવ – ૩ (૧-મોત) કંડાચ – ૧ (રિકવર)
રામનાથ – ૧ કાલોલ શહેર – ૭ (૨-રિકવર)
કુલ કેસો=૧૪ રિકવર=૦૫ મોત=૦૧ સારવાર હેઠળ=૦૮

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here