કાલોલમાં કોરોનાના કહેરથી વધુ કાળાબજારનો કોહરામ..: તંત્રનું અભેદ મૌન…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

દેશ અને દુનિયામાં માનવજાત જાત પર ત્રાટકેલા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા અસરકારક લોકડાઉનનો અમલ કરવામાં આવતા જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ સિવાય અન્ય ઘણી વસ્તુઓના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને તમાકુ સંલગ્ન વિવિધ પ્રકારની સિગારેટ, બીડી, ગુટકા, પાન મસાલા અને તમાકુ-સોપારીના માવાના વેપાર, વેચાણ અને પાન ગલ્લા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પરંતુ તમાકુનું સેવન ટાળી નહી સકતા અને કાયમી વ્યસનવાળા લોકોની માંગ અને માનસિકતાને પગલે ત્રણ તબક્કા જેટલા લાંબાગાળાના લોકડાઉન દરમ્યાન તમાકુની ચીઝવસ્તુઓનો કાળો બજાર ધમધમી ઉઠતા સરકારી પ્રતિબંધ અને નિયંત્રણ વચ્ચે ઉંચા ભાવોએ પડદા પાછળ વેચાણ થવા લાગ્યું હતું. જેથી લોકડાઉન વચ્ચે પાંચ રૂપિયાની એક પાન-મસાલા કે ગુટકાની એક પડીકી ત્રીસથી ચાલીસ રૂપિયે, માવાના રસિયાઓ માટે તમાકુનો એક ડબ્બો રૂ.૨૦૫ને બદલે રૂ.૧૧૦૦નો કાળાબજાર સ્વરૂપે તોતિંગ એવા ઘી કરતાં પણ ઉંચા ભાવે વસુલાતા હતા. જોકે લોકડાઉન-૪ દરમ્યાન સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરતોને આધીન પાનના ગલ્લા ખોલવાની મંજુરી આપવામાં આવતા પુનઃ ધીમે ધીમે સ્થિતિ સામાન્ય બની જશે એવી લોકોને આશા હતી. પરંતુ હોલસેલ બજારમાં વેપારીઓની મેલી મોનોપોલીને કારણે લોકડાઉન-૪ દરમ્યાન હળવા કરેલા નિયમોના દશ દિવસ બાદ પણ પાન, બીડી, સિગારેટ, પાન મસાલા અને ગુટકા, તમાકુનો કાળો બજાર યથાવત જોવા મળતાં સ્ટોકના અભાવને બહાને ઉંચા ભાવો વસુલાઈ રહ્યા છે. જે અંતર્ગત તંત્રના નિયંત્રણ અને દેખરેખને અભાવે અત્યારે છુટના દિવસોમાં પણ તમાકુની ચીજવસ્તુઓ બમણાથી ત્રણ ગણા ભાવો વસુલાઈ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશ અને રાજ્યભરમાં કોરોના વાયરસના સંક્રમણના કેસો દિનપ્રતિદિન સતત વધી રહ્યા છે એવા સમયે સરકાર દ્વારા આગામી સમયમાં અસરકારક લોકડાઉનનો અમલ કરવામાં આવી શકે છે એવા ભ્રમ કે મોનોપોલીને આધારે સંભવિત આગામી લોકડાઉન દરમ્યાન કાળાબજાર મુજબ ઉંચા ભાવો વસુલી શકાશે એવા મતલબી અભિગમે હોલસેલ વેપારીઓએ સામાન્ય બજાર પર કાળાબજારના નાગપાશનો ભરડો લીધો હોવાના દ્રશ્યો સર્જાયા છે. એક તરફ સરકાર દ્વારા છુટ આપવામાં આવી છે અને બીજી તરફ ચીઝવસ્તુઓ પર એમઆરપી મુલ્ય કરતા વધારે ભાવ વસુલવા સામે દંડાત્મક કાર્યવાહી કરવાની જાહેરાતો કરવામાં આવે છે તેમ છતાં પણ પંચમહાલ જિલ્લા તંત્રના નિયંત્રણોને અભાવે કાળાબજારનો ધંધો વકરતા જતા એમઆરપી કરતા પણ બમણીથી ત્રણ ગણી કિંમત વસુલી બજારમાં કોરોના કરતાં પણ વધારે કાળો કેર વર્તાવી રહ્યા હોવાનું જાણવા મળે છે. જે અંગે જિલ્લા તંત્ર દ્વારા સત્વરે જાગી ફોગટની કિંમતો વસુલતા હોલસેલ અને જનરલ વેપારીઓ સામે અસરકારક તપાસ હાથ ધરી કસુરવાર વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here