કાલોલમાં કોંગ્રેસ કાર્યકરોએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે ‘ધક્કા ગાડીઓની રેલી’ યોજી અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

દસ દિવસના ગાળામાં બીજું આવેદનપત્ર આપતી કોંગ્રેસ પાર્ટીની સરકાર ઉપર કોઈ અસર નહીં

કાલોલમાં સોમવારે કાલોલ કોંગ્રેસના કાર્યકરોએ એકત્રિત બની ભાજપ સરકારમાં બેફામ બનેલા ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. આ અગાઉ દસ દિવસ અગાઉ પણ કાલોલ મામલતદારને આવેદનપત્ર પાઠવી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા ઘટાડવા માટે માંગણી કાલોલ કોંગ્રેસ દ્વારા કરાઈ હતી. કોંગ્રેસના આ આવેદનપત્ર મુજબ દેશ અને દુનિયામાં માનવજાત પર ત્રાટકેલા કોરોનાની મહામારી અને લોકડાઉનની હાડમારીની સુડી વચ્ચે સોપારીની જેમ પીસાતા સામાન્ય લોકો પર વર્તમાન ભાજપની રાજ્ય અને કેન્દ્ર સરકારે દાઝયા પર ડામ આપતા હોય એ રીતે પેટ્રોલ ડિઝલ સહિત અનેક આવશ્યક ચીજવસ્તુઓનો બેફામ ભાવ વધારો ઠોકી લોકોને અન્યાય કરતા હોવાનો આક્ષેપ લોક પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જે વિરોધ કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયથી મામલતદાર કચેરી સુધી મોંઘા બનેલા પેટ્રોલ-ડીઝલ વિના હવે પોતાના વાહનોને ધક્કા મારવાના અચ્છે દિન આવી ગયા હોવાનું પ્રતિત કરાવતી ધક્કા ગાડીઓની રેલી કાઢવામાં આવી હતી. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને હાઈવે પર ધક્કા ગાડીઓની રેલી મામલતદાર કચેરી ખાતે પહોંચી કોંગ્રેસ કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી બેફામપણે ઝીંકવામાં આવેલો ભાવ વધારો પરત ખેંચવા માટે મામલતદારને આવેદનપત્ર આપી લોકોની વેદનાનો અવાજ સરકાર સુધી પહોંચે તેવી રજુઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે આજ રોજ કોંગ્રેસ પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાના વિરોધમાં પ્રદર્શનો કરવામાં આવેલ છે પરંતુ છેલ્લા ઘણા દિવસોથી લોકોના વિરોધ પ્રદર્શનો થવા છતાં પણ સરકાર આ મુદ્દે કોઈ નિવેદન આપવા તૈયાર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here