કાલોલના શ્રમજીવીઓ, કારીગરો, રોજમદારો, ખેડૂતો, નાના દુકાનદારો લોકડાઉનમાં થયા નિરાધાર….બેરોજગાર…!!

કાલોલ,(પંચમહાલ)
પ્રતિનિધિ :- મુસ્તુફા મિરઝા

તાકીદે જનજીવન સામાન્ય થાય તેવી સંભાવનાઓ જોઈ આશાની આંખડીએ બંધાયા બેરોજગારો…

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી વ્યાપી ગઈ છે અને ભારતમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે જે આગામી રવિવારે પુર્ણ થવાના આરે છે સરકારે રેલ વ્યવહાર શરૂ કરવાના સંકેતો આપ્યા છે ત્યારે લોકડાઉન અંશત : ખુલે તેવી સંભાવના વધી રહી છે. ત્યારે લોકડાઉન દરમ્યાન નાના દુકાનદારો-લારી ગલ્લા વાળા, રોજમદારો, શ્રમજીવીઓ, કારીગર વર્ગને પારાવાર તકલીફો પડી રહી છે. સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા, નાગરિકો દ્વારા સહાય-કીટ, ફુડપેકેટ આપવામાં આવે છે તેમ છતા પણ આ વર્ગના લોકો હવે લોકડાઉનનો અંત આવે તેવી આશા રાખી રહ્યા છે. કાલોલ નગરમાં બહારથી કારીગરો લાવી હેર કટિંગનો તથા હોટલ-રેસ્ટોરન્ટનો વ્યવસાય કરતા અને પોતાની દુકાન ધરાવતા ઘણા બધા લોકો કારીગરોને તથા પોતાના ગુજરાન માટે શું કરવું તે શોધી રહ્યા છે. તે જ રીતે કટલરીનો સામાનની લારી વાળા,નાના મોટા ફરસાણના વેપારીઓ પોતે અને પોતાના માણસોને કેવી રીતે પાલવવા ઉપરાંત કડિયાકાંમની છુટ મળી હોવા છતાં પણ કારીગરો કામ પર આવતા ડરી રહ્યા છે. કાપડ, કેટરીંગ, ફરાશખાના જે વેપારીઓએ ગજાવર લોન લીધી છે તેઓ લગ્ન ગાળો લગભગ ફેઈલ જવાથી દેવામાં ડૂબી જવાના ભયે માનસિક તણાવ અનુભવી રહ્યા છે. વ્યસનીઓને વ્યસનની વસ્તુઓ ન મળવાથી રોજ નવા નવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ખેડૂતોને બાજરી,મકાઈ જેવા પાક તૈયાર છે તેમ છતા એ.પી.એમ.સી દ્વારા માલ લેશે કે કેમ તેની ચિંતામાં તથા નોકરિયાત વર્ગ ઘરે બેઠા બેઠા માલીક પગાર આપશે કે કેમ તેની ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. આગામી રવિવારે ત્રીજા લોકડાઉનની અમલવારી હવે સરકાર દ્વારા લંબાવવામાં ન આવે કોરોનાનો અંત આવે તેવી આ તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા છે અને જલ્દીથી જનજીવન સામાન્ય થાય રાબેતા મુજબ તમામ પ્રકારના કામો સાવધાની રાખી ચાલુ કરાય તેવું ઈચ્છિ રહ્યા છે. પરંતુ હાલમાં પંચમહાલ જીલ્લો રેડ ઝોન માં મુકેલ હોવાથી લોકડાઉન ખૂલવાથી કેસો વધવાનો ભય હોવાથી આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા શુ નિર્ણય લેવાય તેના પર કાલોલ ના સામાન્ય માણસો ની નજર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here