કાલોલના શક્તિપુરા ગામ પાસે નર્મદા કેનાલના રોડ પરથી સાડા અગિયાર ફુટ મહાકાય મગર ઝડપાયો, જીવદયા પ્રેમીએ મગરને રેસ્કયુ કરતા લોકોને રાહત…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાના શક્તિપુરા ગામ પાસેની કરાડ નદી નજીક સોમવારે સવારે એક મહાકાય મગર નર્મદા કેનાલના પાણીમાંથી બહાર આવી કેનાલના રોડ પર ફરતો દેખા દેતા જતા આવતા રાહદારી લોકોમાં ભય ફેલાયો હતો અને રોડ પર ફરતા મગરને જોવા માટે લોક ટોળા પણ ઉમટી પડયા હતા. જે મગર અંગે તંત્રને જાણ કરતા વેજલપુર, ગોધરા અને હાલોલ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ મગરને રેસ્કયુ કરવા માટે તાલુકાના રતનપુરા ગામના સાપ અને મગર માટે રેસ્કયુ ઓપરેશન કરતા તાલીમી અને અનુભવી એવા જીવદયા પ્રેમી વિરાગ પટેલને ઘટનાસ્થળે બોલાવી તેમની તાલીમ મુજબ રેસ્કયુ ઓપરેશન હાથ ધરી ભારે જહેમત બાદ મગરને આબાદ રીતે રેસ્કયુ કરી વન વિભાગને સોંપ્યો હતો. આમ સલામત રીતે મગરને ઝડપી લીધા પછી મગર અંગે જાણકાર વિરાગ પટેલે જણાવ્યું હતું કે અંદાજીત સાડા અગિયાર ફુટ જેટલી આ મહાકાય માદા મગર હતી, જે ગર્ભવતી હોવાથી તેના ઈંડા મુકવા માટે આજુબાજુના નદી પટમાં સલામત જગ્યા શોધવા માટે કેનાલમાંથી બહાર આવી હોવાનું જણાવ્યું હતું. જે માદા મગરને વન વિભાગ દ્વારા સલામત સ્થળે છોડી દેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પાછલા મહિને આ વિસ્તારની કેનાલમાં આટલા લાંબા મગરે દેખા દીધી હતી જેને પગલે સોમવારે સવારે આ મગર બહાર આવી જતાં અંતે ઝડપાઇ જતાં રાહદારીઓ અને આજુબાજુના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here