કાલોલના કંડાચ ગામના કોરોના શંકાસ્પદ મૃતકના પરિવારજનો સહિત સંપર્કમાં આવેલા ૧૫ વ્યક્તિઓને તંત્ર દ્વારા કવેરોન્ટાઈન કરવામાં આવ્યા…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાના કંડાચ ગામના નટવરસિંહ જશવંતસિંહ ગોહિલ (ઉ. વર્ષ ૪૨)ને તેમની બે દિવસની બિમારીને પગલે ગુરુવારે સવારે દેલોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર દરમિયાન લોહીની ઉલ્ટીના અંતે મોત નિપજ્યું હતું. જે શંકાસ્પદ મોતને પગલે કાલોલ આરોગ્ય અને વહીવટી તંત્ર દ્વારા મૃતકના મૃતદેહને પરિવારજનોને સોંપવાને બદલે તંત્ર દ્વારા જ કાલોલ ગોમાનદીના એકાંતમાં પીપીઈ કીટ પહેરીને અંતિમક્રિયા કરવામાં આવી હતી. આ મોત અંગે થયેલા અનેક તર્કવિતર્કો સામે આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણને કારણે મોત થયું હોવાનું નકારવામાં આવ્યુ હતું. પરંતુ આ શંકાસ્પદ મોતના બે દિવસ પછી આરોગ્ય તંત્ર દ્વારા શનિવારે કંડાચ ગામના મૃતકના પરિવારજનોને ગોધરા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે તપાસ હાથ ધરી આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ કવેરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. જયારે ગુરુવારે આ દર્દીની સારવાર દરમ્યાન સંપર્કમાં આવેલા દેલોલ આરોગ્ય કેન્દ્રના કર્મીઓ અને કાલોલ આરોગ્ય કેન્દ્ર ખાતે મૃતકના મૃતદેહની તપાસ કરતા આરોગ્ય કર્મીઓ સહિત અગિયાર જેટલા આરોગ્ય કર્મીઓને પણ હોમ કવેરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. તદ્ઉપરાંત તકેદારીના ભાગ રૂપે આરોગ્ય વિભાગ દ્વારા મૃતકના ગામ કંડાચમાં પણ અલગ અલગ પાંચ આરોગ્યની ટીમો બનાવી મૃતકના ફળીયા સહિતના આખા ગામમાં સ્કિનિંગ અને સર્વે કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ શહેર અને તાલુકા વિસ્તારમાં હજુ સુધી કોરોના વાયરસના સંક્રમણનો કોઈ કેસ નોંધાયો નથી. પરંતુ તાજેતરમાં કંડાચ ગામના આ કેસમાં શંકાસ્પદ હાલતમાં થયેલા મોત અને શનિવારે પંદર વ્યક્તિઓને કવેરોન્ટાઈન કરવામાં આવતા પુનઃ તર્કવિતર્કો સર્જાયા હતા. જોકે આ અંગે કાલોલ તાલુકાના મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા આ સમગ્ર ઘટનામાં મૃતકને કે કોઈને પણ કોરોના વાયરસના સંક્રમણ હોવા અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નહોતી અને આ ઘટના પાછળની સમગ્ર કાર્યવાહી એ મૃતકના શંકાસ્પદ મોતની હાલતને ગંભીરતાથી લઈને જરૂરી એવા તકેદારીના ભાગ રૂપે જ સંપર્કમાં આવેલા પરિવારજનો સહિત પંદર વ્યક્તિઓને કવેરોન્ટાઈન કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here