ઐસી હોતી હૈ અસલી હીરો કી એન્ટ્રી…પંચમહાલ-ગોધરાના ૯ વર્ષીય બાળક યુવરાજની અનુકરણીય પહેલ…

ગોધરા,

પ્રતિનિધિ :- સાદિક ચાંદા

  • ૯ મહિના બચત કરી બચાવેલા રૂપિયા ૨૫૦૦નું સેવાકાર્યોથી પ્રેરાઈને પીએમ રાહતફન્ડમાં દાન કર્યું

કોરોના વાયરસના કારણે ઉદભવેલી સ્થિતિના લીધે પંચમહાલ જિલ્લા સેવાસદનમાં સામાન્ય લોકોની અવર-જવર બંધ છે ત્યારે પોતાની માતા સાથે આવેલ એક નાનકડો બાળક કચેરીમાં ઉપસ્થિત બધાનું ધ્યાન ખેંચે છે. બાળકને જોઈને કર્મચારીઓ તેના કચેરીમાં આવવાનું કારણ પૂછે છે અને જવાબ સાંભળીને સાનંદાશ્રય અનુભવે છે. યુવરાજ નામનો આ ૯ વર્ષીય બાળક કોરોના સામેની લડાઈમાં પોતે થોડા થોડા કરીને ગલ્લામાં બચાવેલા પૈસા લઈને ફાળો આપવા આવ્યો છે. કામગીરીમાં વ્યસ્ત જિલ્લા કલેક્ટરશ્રીને જાણ થતાં તેઓ પણ આશ્ચર્ય પામે છે અને યુવરાજને સહર્ષ પોતાની ઓફિસમાં આવકારી તેનો ફાળો સ્વીકારે છે અને રાહત ફન્ડમાં યોગદાન આપવાના સુંદર વિચાર બદલ અભિનંદન પાઠવે છે. યુવરાજની માતા નિધીબેન દરજી કે જેઓ એક સરકારી શિક્ષક છે તેઓ જણાવે છે કે યુવરાજને આ પ્રેરણા તેમના મિત્ર મણીબેન વણકર તરફથી મળી છે. લોકડાઉન દરમિયાન ફૂડ પેકેટ વિતરણ સહિતના રાહતકાર્યોમાં જોડાયેલા મણિબેનને જોઈને યુવરાજ પણ વારંવાર સાથે જવાની અને લોકોને મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરતો હતો. મોટો થઈને પૈસા કમાઈને મદદ કરજે તેમ સમજાવતાં યુવરાજે સામે દલીલ કરી કે તેની પાસે પણ ગલ્લામાં બચત કરેલી પોતાની થોડી રકમ તો છે જ. તેણે એ પૈસા ગરીબોની મદદ માટે આપવાનો વિચાર વ્યક્ત કર્યો. માતા નિધીબેન જણાવે છે કે આવા ઉત્તમ વિચારનો વિરોધ કરવાનો કોઇ પ્રશ્ન જ નહોતો એટલે તપાસ કરીને પ્રધાનમંત્રી રાહત ફંડમાં ફાળો આપવા માટે તેઓ યુવરાજ અને ગલ્લાના પૈસા લઈને પહોંચ્યા જિલ્લા કલેક્ટર કચેરી. જિલ્લા કલેક્ટરશ્રીએ આ પ્રસંગ વિશે જણાવ્યું કે આવા હકારાત્મક પ્રસંગો કોરોના સામેની લડાઈમાં જોડાયેલા સૌકોઈમાં એક નવું જોમ પૂરતા બની રહે છે. તેમણે બાળક અને માતા બંનેને આ સુંદર પહેલ બદલ ધન્યવાદ પાઠવ્યા હતા.
યુવરાજ સામાન્ય રીતે એક વરસની આ બચત રમકડાં લાવવા કે જન્મદિવસે મિત્રોને ચોકલેટ આપવામાં વાપરતો હોય છે. 2500નો આ ફાળો કોઈ મોટેરા માટે પણ મોટી રકમ છે ત્યારે 9 વરસના એક બાળકે દેશહિતમાં, જરૂરતમંદોને મદદ કરવાની અપીલના જવાબમાં આ સુંદર કાર્ય કરીને બધાને પ્રેરિત અને હર્ષિત કર્યા છે. જ્યાં સુધી આવા બાળકો ભારતનું ભવિષ્ય છે ત્યાં સુધી કોરોના જેવા હજાર પડકાર ઝીલીને પાર ઉતરવા દેશ સક્ષમ રહેશે. પંચમહાલ જિલ્લામાંથી પણ સંકટની આ ઘડીએ નાગરિકો રાહતફાળો આપવામાં પાછળ પડ્યા નથી. અત્યાર સુધી મુખ્યમંત્રી રાહત ફંડમાં કુલ 319 લાખથી વધુ રકમનું દાન નોંધાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here